બાળકને મારશો નહીં – કિરણ ન. શીંગ્લોત
જૂના વખતમાં એમ કહેવાતું એ મારો નહીં ત્યાં સુધી બાળક સખણું રહે નહીં. બાળકને પંપાળીને ચાલીએ અને એને દાબમાં રાખીએ નહીં તો એ બગડી જાય, એવું માનસ આજે પણ મળી આવશે. બાળકમાં શિસ્તનું સિંચન કરવા માટે ઘણાને એના પર હાથ ઉપાડવાની જરૂર જણાતી હોય છે. પણ બાળકને મારવું એ એક અપરાધ છે. ઘણા રાષ્ટ્રો આ ગુના માટે બાળકનાં માબાપને કડક સજા કરે છે. અમેરિકામાં જો કોઈ માબાપ બાળકને મારે અને બાળક પોતે કે આ કૃત્યની સાક્ષી બનનાર અન્ય કોઈપણ વ્યક્તિ પોલીસને આની જાણ કરી દે તો બાળકને મારનાર પાલક કાયદાના સકંજામાં આવી શકે છે. સ્વીડનમાં બાળકને મારવાની તો શું પણ શિક્ષા કરવાના હેતુસર એની કાનપટ્ટી પકડવાની પણ મનાઈ છે. કમનસીબે આપણા દેશમાં આ મુદ્દે હજુ માબાપમાં, સમાજમાં કે કાયદાના રખેવાળોમાં પૂરતી જાગૃતિ જોવા મળતી નથી. પરિણામે માર ખાતા બાળકને કોઈ છોડાવવા જતું નથી. વાસ્તવમાં ઘરે કે શાળામાં, બાળકને ક્યાંય મરાય જ નહીં, એ મૂલ્યનો આપણે દઢતાથી સ્વીકાર કરવો જોઈએ.
બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.
પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ? આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :
[1] સ્વસ્થતા ગુમાવો નહીં : બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.
[2] દઢતા જાળવો, પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.
[3] બાળકને પસંદગી આપો : બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.
[4] એને પરિણામનું ભાન કરાવો : રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે.
Posted via Blogaway
Comments